અનોખી
ગીફ્ટ
તન્વી
આજે ખુબ જ ખુશ હતી કારણ કે આજે તેનો જન્મદિવસ હતો. સવારે જેવી એ જાગી કે પરિવારના
બધાં સભ્યો એના પલંગ સામે તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા માટે એના સામે ઉભા હતા.
બધાના હાથમાં સુંદર મજાના પેકિંગમાં ગીફ્ટ હતી. પરંતુ દાદાજી ના હાથમાં કંઈ જ ન
હતું. તન્વી ના જાગતાની સાથે જ બધાએ તેને હેપી બર્થ ડે ના નાદ સાથે વધાવી લીધી અને
ગીફ્ટ આપી. તન્વીનું મન ખુશીથી નાચી રહ્યું હતું. બધાની ગીફ્ટ તેણે ખોલીને જોઈ.
તેમાં સરસ મજાની ઢીંગલી, ઘડિયાળ, રમકડા તો કોઈએ તેને ચોકલેટ ની ભેટ આપેલ. તે ખૂબ જ આનંદમાં આવીને બધાને
થેંક્યુ કહ્યું.
આ
બધી ભેટસોગાદો વચ્ચે તેણે દાદાજી સામે નજર નાખી. દાદાજીના હાથમાં કોઈ ગીફ્ટ ન જોઈ
એણે થોડી નારાજગી ભર્યા સ્વરે દાદાજીને કહ્યું, “દાદાજી
તમે મારા માટે કોઈ ગીફ્ટ નથી લાવ્યા? શું હું તમારી લાડકી
દીકરી નથી?”
“ના તન્વી
બેટા, એવું કાંઈ હોય! દાદાજી તારા માટે એક અનોખી ગીફ્ટ લાવ્યા છે.
“અનોખી ગીફ્ટ?
એવુ તે વળી શુ લાવ્યા છો તમે દાદાજી?”
દાદાજી તન્વી
ને ઘરની બહાર લઈ ગયા અને એની સામે એક સુંદર મજાનો ગુલાબ નો છોડ બતાવી કહ્યું,
“બેટા ! જો હું તારા માટે એક ગુલાબનો છોડ લાવ્યો છું. તને ગુલાબ ખૂબ
જ પસંદ છે ને ! તેથી.
તન્વીને
ગુલાબના ફૂલ ખુબ જ ગમતા પરંતુ પોતાના જન્મદિવસે દાદાજી કોઈ સરસ મજાની ગીફ્ટ આપશે
એવી તેને આશા હતી પરંતુ તેની આશા ગુલાબનો છોડ જોઈને નિરાશામાં ફેરવાઈ ગઈ.
“શું દાદાજી
તમે પણ! કોઈ ગુલાબ નો છોડ જન્મદિવસની
ગીફ્ટ માં આપે ખરું?”
દાદાજી
સમજી ગયા કે તન્વી ને એમની ગીફ્ટ ગમી નથી. દાદાજીએ કહ્યુ,
“બેટા આ ગીફ્ટ એવી છે કે જે તને અત્યારે નહીં પણ જ્યારે તેના પર સરસ
મજાના ફૂલો આવશે ત્યારે તને ખુશી આપશે. તું આ બધી ગીફ્ટ જોઇને અત્યારે ભલે ખુશ થાય
છે પણ થોડા દિવસો પછી આ બધી ગીફ્ટ ને ભૂલી જઈશ જ્યારે મારી ગીફ્ટ તને હંમેશા ખુશી
આપશે.”
દાદાજીની વાત
તન્વી ના ગળે ન ઊતરી. મને કમ અને તેણે દાદાજીની સાથે એ ગુલાબના છોડને પોતાના
આંગણામાં રોપી દીધો.
આજે
તન્વીને પોતાની શાળામાં જવાની ખૂબ જ ઉતાવળ હતી. મનોમન તો હરખાતી-હરખાતી સ્કૂલે ગઈ.
ધારણા પ્રમાણે બધા જ મિત્રોએ તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપી. શાળામાં પણ તે ‘આજનો દીપક’ હતી એટલે પ્રાર્થનામાં સૌ શિક્ષકો તથા
વિદ્યાર્થીઓ એ તેને હેપી બડે ટુ યુ હેપી બર્થ ડે ટુ ડિયર તન્વી ના ગીત સાથે વધાવી
લીધી. તેના માટે લયબદ્ધ રીતે ત્રણ તાળી નું વાદન થયું. તન્વીના આનંદનો પાર ન રહ્યો
ખુશીથી તન્વી હરખાઈ ગઈ.
પછી વર્ગ શરૂ
થયો. આજે તન્વીના શિક્ષક કોઈ છોડ લઈને વર્ગમાં આવ્યા હતા. તેને નવાઈ લાગી. તેણે
શિક્ષકને પ્રશ્ન કર્યો, “સાહેબ ! તમે આ શું લાવ્યા છો?”
“તન્વી
બેટા ! આ એક લીમડાનો છોડ છે.”
“એ તો
અમને બધાને ખબર છે પણ તમે અહીંયા વર્ગમાં શું કામ લાવ્યા છો?”- તન્વીએ વળતો પ્રશ્ન કર્યો.
શિક્ષકે
કહ્યું,
“જો બાળકો આ છોડ આપણા માટે કેટલું ઉપયોગી છે તમને ખબર છે?”
લાંબા લંકા
સાથે સૌ બાળકોએ “ના.........” કહ્યું.
“બાળકો
આ છોડ મોટું થઈને વૃક્ષ બનશે.”
“સાહેબ
અમને ખબર છે.”
“તો
પછી તમને એવી તો ખબર હશે જ કે વૃક્ષોમાં પણ જીવ છે.”
“હં....! એમ. કઈ રીતે?”
વિદ્યાર્થીઓમાંથી
એકે પૂછ્યુ.
શિક્ષકે
કહ્યું, “જુઓ તમે અત્યારે નાના છો પછી મોટા થશો કે નહિ? તેવી જ રીતે વૃક્ષો પણ મોટા થાય છે. - સાચું ને?
તમે જેવા ખુશ
થાવ છો, દુઃખી થાવ છો, આનંદથી જુમો છો તેમ વૃક્ષો પણ ઝૂમે
છે, આનંદ કરે છે અને દુઃખી પણ થાય છે.”
“એ
કેવી રીતે?”- તન્વી આતુરતાપૂર્વક બોલી ઉઠી.
શિક્ષકે
કહ્યું,
“જ્યારે મસ્ત મજાનો પવન આવે ત્યારે વૃક્ષો પણ પવન સાથે રમે છે અને
આનંદમાં આમતેમ જુમે છે, જ્યારે તમે તેના પાંદડા તોડો છો,
ડાળી કાપે છો ત્યારે તેને પણ દર્દ થાય છે અને દુઃખી થાય છે પણ એ
બિચારા કોઇને કહી શકતા નથી. ભગવાને એમને જીભ નથી આપી ને એટલે.”
તન્વી આ બધું
એક ધ્યાને સાંભળી રહી હતી તેના કુમળા મન પર સાહેબ ની વાતો ની ઉંડી અસર થવા લાગી
હતી.
પછી તો
સાહેબે વૃક્ષો ના મહત્વ વિશે સમજાવ્યું, “વૃક્ષો
આપણને છાયો, ફળો, લાકડું,
ઓક્સિજન વગેરે આપે છે. વૃક્ષો વાતાવરણને સંતુલીત રાખે છે. તે
પ્રકૃતિનું અભિન્ન અંગ છે. તેને કાપવા ન જોઇએ અને વધારે ને વધારે વૃક્ષો ઉછેરવા
જોઇએ.”
વૃક્ષોની
ઉપયોગીતા સાંભળીને તન્વી ને વૃક્ષો પ્રત્યે પ્રેમ જાગ્યો.
છેલ્લે
શિક્ષકે કહ્યું, “બાળકો વૃક્ષો ભલે આપણી સાથે બોલી નથી શકતા પણ આપણી બધી વાતો તે
સમજે છે. જો આપણે તેમની સાથે આનંદથી વાતો કરીએ તો તે પણ ખુશ થાય છે અને દુઃખની વાત
કરીએ તો આપણા દુઃખમાં દુઃખી પણ થાય છે. વૃક્ષોને લડીએ તો તે ઉદાસ પણ થઈ જાય છે.
તન્વી ને આજે
વૃક્ષો વિશે ઘણું બધું જાણવા મળ્યું હતું. ‘વૃક્ષોને જીવ છે અને જીભ નથી’ એ વાતની
તેના હૃદયમાં ઊંડે સુધી અસર થઈ.
શાળા
પૂરી થતાં તન્વી પોતાના ઘરે આવી આંગણામાં પગ મૂકતા જ તેની નજર સવારે રોપેલા
ગુલાબના છોડ પર પડી. તન્વી ને તે કરમાયેલું લાગ્યું. ઝડપથી તે ગુલાબના છોડ પાસે
દોડી ગઇ. સવારમાં દાદાજીની ભેટ ન ગમવા ને કારણે તેણે ઉદાસ મને તેને રોપી દીધું
હતું પરંતુ આજે એણે શાળામાં વૃક્ષો વિશે ઘણું બધું જાણ્યું હતું.
તેણે તરત જ
ગુલાબના છોડને પાણી પાયું. તેની ડાળીઓ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, “ જે
તું ખૂબ ઉદાસ લાગે છે, સવારમાં મેં તારી
સાથે વાત ન કરી એટલે? મને માફ કર, હવે હું
તને ક્યારેય દુઃખી નહીં કરું.” થોડીવાર તે ગુલાબના છોડ સામે જોઈ રહી. છોડની ડાળીઓ
સાવ કરમાયેલી હતી. ઢળી પડતી ડાળીઓ જાણે કહી રહી હતી કે મને અહીં ગમતું નથી.
“તને અહીં
નથી ગમતું તું? જલ્દી જલ્દી તું મોટો થઈ જા, હું રોજ તારી સાથે રમીશ. આપણે બંને
ખૂબ વાતો કરીશું, ખૂબ મજા આવશે.”
તેની વાતો ની
જાણે કોઈ અસર ગુલાબના છોડ પર ન થતી હોય એવું તન્વી ને લાગ્યું. તે ઉદાસ થઈ અને ઘરમાં ચાલી ગઈ. તેણે રાત્રે મોડા
સુધી છોડના જ વિચારો આવ્યા. આંખો બંધ કરે તો તે ગુલાબ નો છોડ
અને તેનો ઉદાસ ચહેરો જ સામે આવી જતો. છોડના વિચારોમાં ને વિચારોમાં આખરે તે સૂઈ
ગઈ. સવારે ઉઠતાની સાથે જ તેને ગુલાબનો છોડ યાદ આવ્યો. તે દોડીને છોડ પાસે ગઈ. જુએ
છે તો ગુલાબ નો છોડ જાણે હસતા ચહેરે તેનું સ્વાગત ન કરતો હોય તેવું તેને લાગ્યું. તેની ડાળીઓ જે કાલે ઉદાસીથી ઢળી પડેલી હતી, આજે આનંદથી લહેરાઈ રહી છે, પવનની મસ્તીમાં હીલોળા ખાઈ રહી છે. કહી રહી છે કે આવ તન્વી આપણે બંને ખૂબ
રમીએ ,ખૂબ વાતો કરીએ.
તન્વી ગુલાબના
છોડને નવજીવંત જોઈને કુદકા મારવા લાગી.
દાદાજીને એ છોડ બતાવવા ખેંચીને તાણી લાવી. પછી તો તન્વી રોજ તેને પાણી આપતી, તેની
ડાળીઓ પર પ્રેમથી હાથ ફેરવતી અને વાતો કરતી. ગુલાબ નો છોડ પણ જાણે ખુશીમાં બમણા
વેગે મોટો થતો હતો. થોડા દિવસો પછી જ્યારે તેના પર ફૂલ આવવા
લાગ્યા ત્યારે તે જોઈ તન્વી ના આનંદનો પાર ન રહ્યો. તેના પર
રોજ ફૂલો આવતા અને તેને જોઈને તન્વીના ચહેરા પર પણ દરરોજ એક આંતરિક આનંદ ની લહેર
છવાઇ જતી.
તે દાદાજી ની
પાસે ગઈ અને કહ્યું, “થેન્ક યુ દાદાજી! તમે મને જે ગીફ્ટ આપી છે તે ખરેખર ખૂબ જ સુંદર
છે. બીજાની ગીફ્ટ થોડા સમય માટે ખુશી આપે તેવી હતી પરંતુ આ ગુલાબના છોડ અને
તેની ઉપર ખીલેલાં ફૂલો જોઈને મારું મન પણ ખીલી ઊઠે છે. ખરેખર
તમે આપેલી આ ગીફ્ટ સુંદર અને અનોખી છે.”
લિ.
શ્વેતકેતુ લાલજીભાઇ ચૌહાણ
પે
સેન્ટર કુમાર શાળા નં.4, ધોળકા
તા.
ધોળકા, જિ. અમદાવાદ.